કડી શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન મુદ્દે હાથ ધરાયેલ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કડી પોલીસ સ્ટેશનના સ્ટાફે મલ્હારપુરા કુંભારવાસ વિસ્તારમાં રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.૪,૫૦૮ કિંમતનો મુદ્દામાલ કબ્જે લઇ એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તા.૧૦ મે ૨૦૨૬ના રોજ કડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. પરમાર, પોલીસ કર્મચારી મેલાજી, જસવંતભાઈ, ભાવેશભાઈ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી. કે કડીના મલ્હારપુરા કુંભારવાસ વિસ્તારમાં રહેતો વસીમભાઇ જાનમહંમદભાઇ કલાલ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો.
રેઇડ દરમિયાન પોલીસે ઘરમાં તપાસ કરતાં મેજિક મોમેન્ટ્સ, મુનવોક, વિન્ટેજ જામુન, રોયલ સ્ટેગ, બ્લેન્ડર પ્રાઇડ સહિત વિવિધ બ્રાન્ડની કુલ ૨૫ બોટલ મળી આવી હતી. જેમાં વોડકા, વ્હીસ્કી અને બિયરનો સમાવેશ થાય છે. કુલ ૫.૩૬૦ લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી વસીમભાઇ જાનમહંમદભાઇ કલાલ (રહે. મલ્હારપુરા કુંભારવાસ, કડી)ની અટકાયત કરી હતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો કિશનસિંહ રાજુભા ઝાલા રહે. કટોસણ (ધનપુરા), તા. જોટાણાથી લાવ્યો હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. કડી પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ) અને ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









