કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રમોશન આપતા સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. વર્ષ 2025ની સિલેક્ટ લિસ્ટ હેઠળ આ અધિકારીઓને IPS કેડરમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રમોશન સાથે તમામ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવવામાં આવ્યું છે અને તેઓ એક વર્ષના પ્રોબેશન પીરિયડ પર રહેશે.
IPSનો દરજ્જો મેળવનાર અધિકારીઓ
ભારતીય પોલીસ સેવા Regulations, 1955 અને ભારતીય પોલીસ સેવા (Cadre) Rules, 1954 હેઠળ આ નિમણૂકો કરવામાં આવી છે. પ્રોબેશન દરમિયાન અધિકારીઓને ઇન્ડક્શન ટ્રેનિંગ પણ આપવામાં આવશે. IPSનો દરજ્જો મેળવનાર અધિકારીઓમાં રાજદીપસિંહ એન. નકુમ, ભરતકુમાર બી. રાઠોડ, પ્રફુલ વી. વાણિયા, રાજેશકુમાર ટી. પરમાર, કલ્પેશકુમાર એમ. ચાવડા અને રાકેશ ડી. દેસાઈનો સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે
હાલમાં રાજદીપસિંહ નકુમ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભરતકુમાર બી. રાઠોડ અમદાવાદ શહેરમાં DCP ઝોન-2 તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, જ્યારે રાકેશ ડી. દેસાઈ રાજકોટ શહેરના DCP ઝોન-2 તરીકે કાર્યરત છે. કલ્પેશકુમાર એમ. ચાવડા ગોંડલ ખાતે SRP ગ્રુપમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગુજરાત પોલીસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. લાંબા અનુભવ અને કામગીરીના આધારે પસંદ કરાયેલા આ અધિકારીઓ હવે IPS તરીકે વધુ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમની ભૂમિકા વધુ અસરકારક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.