કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંપની માંથી કોપર (તાંબાની) પ્લેટો ની ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પણ ઝડપી પાડી ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી,DYSP ડો.હાર્દિક પ્રજાપતિ અધિકારીઓની સૂચના હેઠળ કડી પોલીસ દ્વારા મિલકત સંબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે શેરા ચોકડી નજીક ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે ચારેયની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતાં તેમને પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પ્રકાશજી દશરથજી ઠાકોર, રહે. ઇન્દ્રાડ, સામે અગાઉ પણ ઘરફોડ ચોરીના ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન તેણે સહઆરોપીઓ સાથે મળીને આશરે એક મહિના અગાઉ શેરા કંપનીની સામે આવેલી કંપની માંથી કોપરની પ્લેટોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં નોંધાયેલ જાણવા મળતા તથા અન્ય સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અપહરણના ગુનામાં પણ મહત્વની કાર્યવાહી
કોપર ચોરીના ગુનાની તપાસ દરમિયાન આરોપીઓના એક સહઆરોપી મેહુલ ઉર્ફે રવિ સોમાભાઈ રાવળ, રહે. ઇન્દ્રાડ, સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. આ ગુનામાં આરોપી નાસતો ફરતો હતો.
પોલીસે તપાસ કરતાં આરોપી હાલ ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે ભોગ બનનાર સાથે રહેતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે કડી પોલીસની ટીમે બ્રાહ્મણવાડા ખાતે તપાસ કરી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી કડી ખાતે લાવી કલોલ તાલુકા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ કલોલ તાલુકા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુલ સાત આરોપીઓ ઝડપાયા
કડી પોલીસની કાર્યવાહી દરમિયાન પ્રકાશજી દશરથજી ઠાકોર, રાહુલ ખોડાજી ઠાકોર, નાગજી કાંતિજી ઠાકોર, રાહુલ રામાજી ઠાકોર, મેહુલ ઉર્ફે રવિ સોમાભાઈ રાવળ, અશોક પ્રકાશચંદ્ર ધાકડ અને રાજુ પ્રકાશચંદ્ર ધાકડ ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ
કડી પોલીસ પી.આઈ એ.એસ. રબારી તથા પી.એસ.આઈ.આર.આર. પરમાર ની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી.
ઓપરેશનમાં હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ નાગજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર કનુભાઈ, રવિકુમાર સઈજીભાઈ તથા રાજુભાઈ તેજમલભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
કડી પોલીસે એક તરફ કંપની માંથી થયેલી કોપર ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે, તો બીજી તરફ અન્ય પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા આરોપીને શોધી કાઢી ભોગ બનનારને પણ સુરક્ષિત રીતે પોલીસ સમક્ષ લાવવામાં મહત્વની કામગીરી કરી છે.