કડીમાં નવરાત્રી દરમિયાન હિન્દુ સમાજની સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં

👉ગરબા મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા કડી પોલીસને વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત
👉રોમિયો ગીરી કરનારાઓ અને અસામાજિક તત્ત્વો પર રહેશે પોલીસની બાજ નજર, ગરબા મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ સજ્જ
નવરાત્રીના પાવન પર્વ દરમિયાન કડી શહેર અને આસપાસના વિસ્તારોમાં યોજાતા ગરબા મહોત્સવમાં હિન્દુ સમાજની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ, કડી દ્વારા કડી પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરિષદે નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગરબા આયોજનોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવાની માંગ કરી છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં નવરાત્રી દરમિયાન મોટા પાયે ગરબા અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાથી ભીડવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવા, સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવા અને અસામાજિક તત્ત્વો સામે જરૂરી કાર્યવાહી કરવા સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.
ગરબા સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નવરાત્રી દરમિયાન કડી શહેર તથા આસપાસના વિસ્તારોમાં પરંપરાગત અને આધુનિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો એકત્રિત થતા હોય છે. જેથી ગરબા સ્થળો, પ્રવેશદ્વારો અને આસપાસના વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવી જરૂરી હોવાનું પરિષદે જણાવ્યું છે.
પરિષદે ગરબા સ્થળોએ છેડતી, મહિલાઓની સુરક્ષા અને અન્ય અનિચ્છનીય પ્રવૃત્તિઓને રોકવા માટે અસરકારક પોલીસ વ્યવસ્થા ગોઠવવાની રજૂઆત કરી છે. સાથે જ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સઘન દેખરેખ રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રજૂઆત
વિશ્વ હિન્દુ પરિષદે કડી શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા તેમજ કોઈપણ પ્રકારની અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થાય તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ધાર્મિક લાગણી દુભાય નહીં અને જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સાવચેતી રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.રજૂઆતમાં પોલીસ તંત્ર અને આયોજકો વચ્ચે સંકલન જાળવીને નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી પગલાં લેવા જણાવાયું છે.
ખેલૈયાઓની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા
કડી શહેરમાં નવરાત્રીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાય તેમજ કોઈપણ પ્રકારની અશાંતિ ઊભી ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગરબા આયોજકો સાથે સંકલન રાખીને સુરક્ષાને લગતી બાબતો પર ધ્યાન આપવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

જૈમિન સથવારા કડી

 

Leave a Comment

और पढ़ें