પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંકલ્પ લઈ વૃક્ષારોપણ કરાયું
માનનીય વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી આહ્વાનને અનુસરીને દેશભરમાં ચાલી રહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત કડી તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણના જતન અને હરિયાળીના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.
‘એક પેડ મા કે નામ’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સાથે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જનભાગીદારી વધારવાનો છે. આ અભિયાન અંતર્ગત કડી તાલુકા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વાવેલા છોડની યોગ્ય જાળવણી અને સંભાળ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ મહત્વની ભૂમિકા ભજવતા નથી, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ હવા, હરિયાળું વાતાવરણ અને સ્વસ્થ જીવન માટે પણ જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની જાળવણી કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, પ્રાંત અધિકારી જાગૃતિ પટેલ, મામલતદાર સમ્રાટભાઈ બ્રહ્મભટ્ટ,કડી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકોર, મહામંત્રી સચીનભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ પટેલ, કડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, સહિત વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે જ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેમની નિયમિત સંભાળ રાખવા અને કડી તાલુકાને વધુ હરિયાળો બનાવવામાં સૌએ સહભાગી બનવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.