કડી પોલીસનો વિદેશી દારૂની હેરાફેરી સામે સપાટો: ટાટા નેક્સોન કાર સહિત રૂ. 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત
કડી પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. કુંડાળ-ઈરાણા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ટાટા નેક્સોન કાર સહિત કુલ રૂ. 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે શંકાસ્પદ વાહન પર નજર રાખવામાં આવી હતી. કુંડાળ-ઈરાણા રોડ તરફથી આવતી કારને રોકવાનો પ્રયાસ કરતાં પોલીસને જોઈને તેનો ચાલક કાર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યાં હતાં. પોલીસે દારૂના જથ્થા સાથે ટાટા નેક્સોન કાર પણ કબજે કરી હતી. વધુ તપાસ દરમિયાન કાર પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
રૂ. 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત
કડી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન નંગ-870, જેની કુલ કિંમત રૂ. 3.77 લાખ થાય છે, તેમજ રૂ. 3 લાખની કિંમતની ટાટા નેક્સોન કાર મળી કુલ રૂ. 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ બનાવમાં કારચાલક ફરાર થઈ જતાં પોલીસે તેને ઝડપી પાડવા તેમજ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
કડી પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. રાજુભાઈ રબારી અને પરેશભાઈ ,રણછોડભાઈ દીક્ષિતભાઈ સહિત પોલીસની કામગીરીને કેન્દ્રમાં રાખીને દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે.
જૈમિન સથવારા – કડી








