👉આશરે 8 દિવસથી ગુમ બાળકીની શોધખોળ બાદ ખેતરના શેઢેથી અવશેષો મળી આવ્યા, કપડાં પરથી ઓળખ થઈ
કડી તાલુકાના થોળ વિસ્તારમાં 8 દિવસ પૂર્વે ગુમ થયેલી પાંચ વર્ષની બાળકીનું કંકાલ ખેતરના શેઢેથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બાળકી ગુમ થયા બાદ બાવલુ પોલીસ દ્વારા દિવસ-રાત સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આઠ દિવસ પહેલાં બાળકી ગુમ થઈ હતી. પરિવારજનો દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બાવલુ પોલીસના પી.આઈ ડી.જી.બડવા તથા પોલીસ ટીમે આસપાસના વિસ્તારો, ખેતરો સહિતના સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ખેતરના શેઢા પાસેથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા. કંકાલની નજીકથી બાળકી ગુમ થઈ ત્યારે તેણે પહેરેલા કપડાં મળી આવતા તેની ઓળખ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કપડાંના આધારે પરિવારજનો દ્વારા બાળકીની ઓળખ થઈ હતી.
પોલીસે સ્થળ પરથી કંકાલને કબજે લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે બાળકીનો જંગલી પ્રાણી અથવા અજગર દ્વારા શિકાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, બાળકીના મોતનું ચોક્કસ કારણ શું છે પીએમ રિપોર્ટ અને પોલીસની વધુ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટનાને લઈને બાવલુ પોલીસે તપાસ તેજ કરી છે.