👉16 વર્ષ અને 7 માસની સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ; ગોળીઓ આપી ગર્ભપાત કરાવ્યાનો પણ આક્ષેપ, નંદાસણ પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો.
મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ મથકની હદમાં સગીરા સાથે શોષણની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. સગીર વયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો અને ત્યારબાદ સગીરા ગર્ભવતી બનતાં ગોળીઓ આપીને ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
જોટાણા તાલુકાના ધનાલી ગામે રહેતા ઠાકોર જયેશજી ભરતજી નામના યુવક સામે આ મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપીએ 16 વર્ષ અને 7 માસની સગીરાને પોતાની વાતોમાં ભોળવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનાના પગલે સગીરા ગર્ભવતી બની હોવાની વિગતો પણ સામે આવી છે.
ગર્ભાવસ્થાની જાણ થતાં ગોળીઓ આપી હોવાનો આક્ષેપ
સગીરા ગર્ભવતી બન્યા બાદ આરોપીએ ગોળીઓ આપીને ગર્ભપાત કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર હકીકત સામે આવતાં સગીરાની માતાએ હિંમત દાખવી નંદાસણ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.માતાની ફરિયાદના આધારે નંદાસણ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.