
સમગ્ર રાજ્ય માં આગામી સમયમાં હવે ચોમાસા ની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોનો ફેલાવો થવાની સંભાવના વધી જતી હોય છે. આ સ્થિતિ ને ધ્યાને લઈ કડી અર્બન હેલ્થ સેન્ટર દ્રારા રોગ અટકાયતી કામગીરી અત્યારથીજ સઘન બનાવી દેવામાં આવી છે. કડી માં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી અનેક એકમો માં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
શહેરી આરોગ્ય કેન્દ્ર ના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જગ્યાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. આ ખાસ તપાસ ઝુંબેશ અંતર્ગત તમામ જોખમી એકમો, ટાયર પંચરની દુકાનો, નર્સરી, ભંગારની દુકાનો, બાંધકામ સાઇટ્સ, કોમર્શિયલ એકમો,GIDC એકમો જેમાં પાણી ભરાવવાની શક્યતા વાળા તમામ સ્થળોએ વિઝિટ કરી ત્યાં રહેલા વ્યકિતઓ ને સમજ પૂર્વક પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરા જોવા મળશે તો કાયદેસર નો દંડ વસૂલવામાં આવશે
આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા વિવિધ એકમો ખાતે મચ્છર ઉત્પતિના સ્થાનોની ઝીણવટભરી ચકાસણી કરી ને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ જેતે એકમના કર્મચારીઓ ને રોગ અટકાવવા અંગેનું જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. વાહકજન્ય રોગો અટકાવવા સંબંધિત એકમોને ચેતવણી રૂપ નોટિસ પાઠવવામાં આવી છે. ભવિષ્યમાં ફરીથી મુલાકાત દરમિયાન જો મચ્છરના પોરા જોવા મળશે તો તેમની પાસેથી કાયદેસર નો દંડ વસૂલ કરવામાં આવશે. હાલ અર્બન હેલ્થ સેન્ટર દ્રારા અલગ અલગ એકમો ઉપર ચેકીંગ હાથ ધરી ને 50 જેટલા એકમો ને ચેતવણી રૂપ નોટિસ આપવામાં આવી છે.
નાગરિકો ને પાણીનો ભરાવો ન કરવા અપીલ
કડી અર્બન હેલ્થ સેન્ટર દ્રારા તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવનાર ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે તેઓ પોતાના ઘર થતા આસપાસના વિસ્તારોમાં ક્યાય પણ પાણીનો ભરાવો ન થવા દે. ખાસ કરીને ઘરના કુલર , પક્ષીકુંજ,જૂના ટાયર, ભંગાર, તેમજ મકાનની છત પર પડેલા ખાલી ડબ્બા વગેરેમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની પૂરતી તકેદારી રાખે જેથી મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો અટકાવી શકાય.












